બનાસકાંઠા જિલ્લામા દાંતીવાડા ડેમમાં માત્ર ૩૦ ટકા જળ સંગ્રહ
બનાસકાંઠા જિલ્લાના જીવન માટે મહત્વપૂર્ણ ગણાતા દાંતીવાડા ડેમમાં હાલમાં માત્ર 30 ટકા જેટલો જ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. પાણીની ઓછી આવકને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
ખેતી અને પશુપાલન પર આધારિત સરહદી બનાસકાંઠા જિલ્લામાં દર બીજા વર્ષે ઓછા વરસાદને કારણે સિંચાઈના પાણીની અછત સર્જાતી રહે છે. જિલ્લામાં દાંતીવાડા, મુકેશ્વર અને સીપુ જેવા મોટા જળાશયો આવેલા હોવાથી સારા ચોમાસામાં તેઓ ભરાઈ જાય તો ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળે છે.
ગયા વર્ષે ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ થતાં દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાયો હતો. તેના કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને લાખો હેક્ટર વિસ્તારમાં થયેલા શિયાળુ પાકો જેમ કે રાયડો, એરંડા, વરિયાળી, જીરું અને ઘઉં માટે કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવ્યું હતું. હાલમાં પણ ઉનાળુ પાક માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સતત પાણી છોડાતા હવે ડેમની જળસપાટી ઘટીને ૫૭૬ ફૂટ સુધી પહોંચી છે અને પાણીનો સંગ્રહ માત્ર ૩૦ ટકા જેટલો રહ્યો છે. જો આ જળસંગ્રહ ૨૫ ટકા સુધી ઘટશે તો આગામી ૧૫ મે બાદ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. જેના કારણે હજારો હેક્ટર વિસ્તારમાં વાવેલ ઉનાળુ બાજરી સહિતના પાકો માટે પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા છે.
દાંતીવાડા ડેમમાંથી ડીસા, દાંતીવાડા અને પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવે છે. તેથી પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડેમમાં ૨૫ ટકા પાણીનો જથ્થો અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

0 Comments